નાગરોલ ખાતે કાર્ગો
પોર્ટની તા 13-1-16 ના રોજ પર્યાવરણીય લોકસુનાવણીમાં રજૂઆત (માછીમારો દ્વારા બંદરનો વિરોધ)
મે કલેક્ટર સાહેબ,
વલસાડ
વિષય : કાર્ગો મોટર્સ પ્રા લી ના પોર્ટ પ્રોજેકટની પર્યાવરણીય
લોકસુનાવણીમાં વિરોધ રજૂ કરવા બાબત
માનનીય સાહેબ,
નીચેના મુદ્દાઓને લઈ અમો નારગોલ ખાતે આવનાર પોર્ટનો વિરોધ કરીએ છીએ જે ધ્યાને
લઈ પોર્ટ પ્રોજેકટ રદ કરવા ભારત સરકાર અને ગુજરાત સરકારને વિનંતી છે.
1. કાર્ગો પોર્ટના ડ્રાફ્ટ
ઇઆઇએ રિપોર્ટમાં આ પોર્ટ કઈ જગ્યા એ આવે છે તે સ્થળના નકશા અને પોર્ટના ચોક્કસ
લોકેશન બાબત સંપૂર્ણ પણે ગૂંચવણ ભરી અને અસ્પષ્ટ રીતે રજૂ કરેલ છે. તમામ નકશા એક
બીજા થી વિરુધ્ધ અને સાચી પોર્ટ ડિઝાઇન કઈ છે તે બાબતે ગુચવાડા છે. તેથી આ પોર્ટના
ચોક્કસ ભાગો અને તે જમીન પર અને દરિયામાં ક્યાં બનાવવામાં આવશે તે વિષે આખા
રિપોર્ટમાં અસમંજસતા છે. તેથી સંપૂર્ણ વિગતો દર્શાવતો ફાઇનલ નક્શો પર્યાવરણીય
લોકસુનાવણી પહેલા લોકો સમક્ષ રજૂ કરવામાં આવે. પછીજ લોક સુનાવણી રાખવામા આવે.
2. આ પ્રોજેકટ સાથે સંકળાયેલ
રેલ્વે લાઇન વિષે કોઈજ માહિતી કે વિગતો કે નકશા મૂકવામાં આવેલ નથી. શું રેલ્વે
લાઇન નાખવાનું મોકૂફ રાખવામા આવેલ છે ? જો નાખવાની હોય તો તે
ક્યાંથી પસાર થશે અને તેમાં જમીનો કઈ રીતે લેવાશે તે ખુલાસો કરવામાં આવે. વળી આ
પોર્ટ દરિયામાં કેવી ડિઝાઇનથી બનશે એ પણ ચોક્કસ બતાવેલ નથી જુદીજુદી જાતની ૬
ડિઝાઇન બતાવી સરકાર અને લોકોને કંપની ગેરમાર્ગે દોરી રહેલ છે. તેથી આ પ્રોજેકટ રદ
કરવામાં આવે.
3. આ પ્રોજેકટ સાથે જોડાયેલ
અન્ય વિગતો જેમ કે કન્ટેનર ટર્મિનલ, કોલ સ્ટોરેજ યાર્ડ,
રેલ્વે યાર્ડ અને અન્ય સુવિધાઓ વિષે ચોક્કસ યોજના કે નક્શો ડ્રાફ્ટ ઇઆઇએ
રિપોર્ટમાં દર્શાવેલ નથી. તેથી આ મુદ્દા લોકો પ્રતિક્રિયા આપી શકે એમ નથી. અધૂરી
માહિતી સાથેનો આ ઇઆઇએ રિપોર્ટ રદ કરી નવો સાચી માહિતી ધરાવતો ઇઆઇએ રિપોર્ટ જાહેર
કરવામાં આવે.
4. પોર્ટ દરિયા કિનારાથી 4 કિલોમીટર દૂર
દરિયા વચ્ચે 28 હેક્ટર વિસ્તાર નવો બનાવી તેમાં આવે છે. તો ત્યાં સુધી પહોંચવા માટે જે રસ્તો બનાવવામાં
આવશે તેની વિગતો બતાવેલ નથી. આ રસ્તા વચ્ચેથી માછીમારી કરતી બોટો કઈ રીતે પસાર થશે
એ બાબત બતાવેલ નથી. વળી પોર્ટ લિમિટમાં દર્શાવેલ વિસ્તારમાં માછીમારી કરતી બોટોને
પ્રવેશ કરવા દેવાશે નહીં. તો આ વિસ્તારના માછીમારોને કિનારા વિસ્તારમાં માછીમારી
કરવાની કે આવવા જવાની છૂટ અપાશે કે નહીં તે બાબતે સવિસ્તર માહિતી આપશો.
5. રિક્લેમેશન દરમિયાન 165.4 લાખ ટન દરિયાની
માટીનું ડ્રેજિંગ (બીજા તબક્કા માં 135 લાખ ટન) કરવાથી માછલીઓ
અને અન્ય જલીય જીવ સૃષ્ટિ પર કેવી અસરો થશે તે બાબતે રિપોર્ટમાં કોઈ અભ્યાસ
કરવામાં આવેલ નથી. દરિયામાં માટી નાખવાથી
ડહોળાશ વધશે અને તેનાથી માછીમારીને નુકશાન થશે એ બાબત યોગ્ય માહિતી અપાયેલ નથી.
તેથી ડ્રેજિંગથી સમુદ્રના પર્યાવરણ અને માછીમારીને નુકસાન બાબતે ચોક્કસ માહિતી
આપશો.
6. પોર્ટ આવવાથી માછીમારી
કરતાં લોકો અને માછીમારીની દરિયામાં રહેલી ફિક્ષ જાળોને હટાવી દેવાશે કે નુકશાન
થશે તો તે બાબતે પોર્ટ શું વ્યવસ્થા કરશે તે જણાવશો. સરકાર માછીમારોને આ દરિયા
વિસ્તારમાંથી હટાવશે તો મોટા પ્રશ્નો ઊભા થશે.
7. શું માછીમારોની ફિક્ષ જાળોને
દૂર કરવામાં આવશે? શું આ માટે માછીમારોને કોઈ વળતર આપવામાં આવશે?
કેટલા વિસ્તારમાં માછીમારી કરવા પર સરકાર દ્વારા પ્રતિબંધ મુકાશે? જહાજો આવા જવાના
રસ્તામાં તરતી જાળોને નુકશાન થશે તેવા સંજોગોમાં શું વ્યવસ્થા પોર્ટ કે સરકારે
કરેલ છે તે બાબતે ખુલાસો કરવા વિનંતી.
8. પોર્ટ પરથી કોલસો સિમેન્ટ
અને અન્ય વસ્તુઓના લોડીંગ અને અનલોડીંગ દરમિયાન દરિયામાં વેરાશે અને દરિયામાં
પ્રદૂષણ થશે. વળી પોર્ટ પરથી જમીન પર કન્વેયર બેલ્ટમાંથી પણ કોલસો ઉડશે અને
દરિયામાં પડશે. આ પોર્ટના કારણે દરિયામાં ફેલાતા પ્રદૂષણ બાબતે કોઈજ માહિતી રિપોર્ટમાં
બતાવેલ નથી તેથી આ માહિતી જાહેર કરવામાં આવે અને માછીમારીને તથા નુકશાન બાબતે
અભ્યાસ હાથ ધરવામાં આવે અને પોર્ટને મંજૂરી આપવામાં ન આવે એવી અમારી માછીમારીઓની
માંગ છે.
9. કોલસાના ડુંગરો જમીન
વિસ્તારમાં ઊભા કરવામાં આવશે તો આ વિસ્તારમાં કોલસાની રજકણો ઉડશે અને આખો વિસ્તાર
પ્રદુષિત થશે. વળી કોલસાના સંગ્રહને લીધે કોલસામાંથી નીકળતા ઝેરી ધુમાડા ચોવીસો
કલાક ગામ પર અને આજુબાજુના વિસ્તારમાં ફેલાયા કરી લોકોના સ્વાસ્થયને નુકશાન
પહોચાડશે એ નક્કી છે. ગુજરાતમાં આવેલ અન્ય પોર્ટ પર કોલસાના કારણે ત્યાના સ્થાનિક
લોકો હેરાન છે એ બાબતને ધ્યાને લેતા અહી કોલસાનું પોર્ટ નાખવા સામે અમારો વાંધો છે
અને અમે આ બંદરનો વિરોધ કરીએ છે.
10. આ પોર્ટ પર ઍસિડ,
કેરોસીન, ડીઝલ, ઓઇલ અને અન્ય ઝેરી
કેમિકલ્સ પણ આવશે. આ ઝેરી કેમિકલ્સ અને પેટ્રોલિયમ પદાર્થો દરિયામાં ઢોળવાને લીધે
માછલીઓ પર ખુબજ ખરાબ અસર પડશે અને માછલીઓ પ્રદૂષણ વધતાં આ વિસ્તાર છોડી બીજા
વિસ્તારમાં જતી રહેશે. અને માછીમારોની રોજગારી ખતમ થઈ જશે. માછીમારોને બેકાર બનતા
અટકાવવા માટે આ પોર્ટ પ્રોજેકટ ને અટકાવવો ખુબજ જરૂરી છે. આ વિસ્તારમાં હજારો લોકો
કોઈપણ જાતની સરકારી સહાય વગર પોતાનું જીવન અને ભરણપોષણ માછીમારી વ્યવસાય પર કરે
છે. તેથી તેમની કુદરતી આજીવિકા છીનવી લઈ પોર્ટને મંજૂરી મળવી જોઇયે નહીં. તેથી
પોર્ટ પ્રોજેકટને રદ કરવામાં આવે.
11. નારગોલનો દરિયા કિનારો
ફિશિંગ ગ્રાઉંડ છે. નારગોલની સામે આવેલ દરિયામાં ઘણા દૂરથી માછીમારો
ફિશિંગ કરવા આવે છે અને આ દરિયો માછલીઓ માટે ખુબજ મહત્વનો છે. આ વિસ્તારના ચાર
ગામો થઈને આશરે ૪૦૦ કરોડ રૂપિયાની કિમતની માછલીઓ પકડે છે. જેમાંથી ઘણી માછલીઓ
વિદેશમાં export માં જાય છે. માછીમારી વ્યવસાય સાથે આ વિસ્તારની
ઘણી બહેનો અને લોકો બીજા સંલગ્ન વ્યવસાય પર નભે છે. તેથી આ વિસ્તાર પ્રદુષિત
કરવાથી ખૂબ મોટા માછીમાર સમુદાયને નુકશાન પહોંચી શકે એમ છે. તેથી લાખો લોકોની
રોજગારી છીનવી લેતા આ પ્રોજેકટને મંજૂરી આપવામાં ન આવે એવી અમારી સરકારને રજૂઆત
અને માંગ છે.
12. દરિયાની વચ્ચે પોર્ટ
બનાવવાથી નવી ઊભી થતી દરિયાની લહેરો ઉમરગામ, નારગોલ, તડગામ, સરોન્ડા
વિસ્તારની દરિયાઈ પટ્ટી પર ખુબજ ઘાતક અસરો ઉપજાવશે. અને દરિયા કાંઠે ભયાનક લહેરો
અથડાશે જેને લીધે દરિયાકાંઠો ધોવાઇ જશે અને ભરતીના પાણી ગામોમાં દાખલ થઈ નુકસાન
પહોંચાડશે. દરિયાકાંઠાનું ધોવાણ અટકાવવા માટે કોઈ પ્રયત્નો આ રિપોર્ટમાં બતાવેલ
નથી. વળી ઉમરગામ અને નારગોલ વિસ્તારનો દરિયાકાંઠો ધોવાઇ રહેલ છે અને રાજ્ય સરકાર
કરોડો રૂપિયા ખર્ચી પ્રોટેક્ષન વોલ બનાવી રહેલ છે. આ પ્રોજેકટ થી આ પ્રોટેક્ષન વોલ
પણ ધોવાઇ જાય એવી સંભાવના છે. તેથી લોકોના ઘરો અને ગામો ધોવાઇ જાય એવા બંદર
પ્રોજ્ક્ટનો અમો વિરોધ કરીએ છીએ.
13. સુરત ખાતે અદાણિ, એસ્સાર અને અન્ય
ઘણા પોર્ટ આવેલ છે તથા ઘણા પોર્ટનું બાંધકામ ચાલુ છે. મુંબઈ ખાતે પૂર્ણ કક્ષાનું
પોર્ટ આવેલ છે જેનું વિસ્તૃતિકરણ થઈ રહેલ છે. ત્યારે નારગોલ ખાતે એક નવું પોર્ટ
બનાવી માછીમારી તથા પર્યાવરણને નુકશાન પહોંચાડવું યોગ્ય નથી. આમ ભારત સરકાર દ્વારા
આ વિગતોને ધ્યાને લઈ આ પોર્ટની દરખાસ્તને લોકોને થતા નુકશાનને ધ્યાને લઈ રદ કરવી
જોઇયે. 200 કિલોમીટર દરિયાઈ પટ્ટીમાં એકજ મોટું પોર્ટ આવે એવી સરકારની નીતિથી વિરુધ્ધ આ પોર્ટને મંજૂરી
મળવી જોઈયે નહીં.
14. 4 હેક્ટર જંગલની જમીનને કંપનીએ પોતાના પોર્ટ હેતુ નીંમ કરવા માટે
ફોરેસ્ટ ક્લીયરન્સની વિધિ ચાલી રહેલ છે. જેમાં ગામસભા એ ઠરાવ કરેલ નથી છતાં ખોટી
રીતે કંપનીએ આ જંગલની જમીન મેળવવાની પ્રક્રિયા શરૂ કરેલ છે તે બાબતે આ જંગલની જમીન
કંપનીને આપવામાં ન આવે એવી અમારી માંગ છે.
15. આ પોર્ટ પ્રોજેકટની
આજુબાજુ આવેલ ખેતરોમાં કોલસો અને તેની રજકણો ભયંકર પ્રદૂષણ ફેલાવી ખેતીનો નાશ કરશે
એ ચોક્કસ છે. એવા સંજોગોમાં ગામના લોકોની આવી જમીન ખરાબ થતી અટકાવવા અમો આ
પ્રોજેકટનો વિરોધ કરીએ છે.
16. આ પ્રોજેકટમાં કેટલા લોકોને
નોકરી મળશે એ બતાવેલ નથી. લગભગ ૧૦૦ થી વધુ લોકોને કાયમી નોકરી મળે એમ નથી. ગુજરાત
રાજ્યમાં આવેલ બીજા પોર્ટ પ્રોજેકટમાં વર્ષો પછી પણ લોકોને કોઈજ ફાયદો થયેલ નથી ફક્ત મોટા લોકો અને
પૈસાદાર લોકોને ફાયદો દેખાય છે જ્યારે સામાન્ય પ્રજાને આ પોર્ટથી કોઈજ લાભ મળવાનો નથી.
વળી માછીમારી કરતાં હજારો લોકોને બેકાર કરી આ પ્રોજેકટ નારગોલ વિસ્તારનો નાશ કરશે.
તેથી આ પ્રોજેકટને અહી મંજૂરી આપવામાં ન આવે એવી અમારી માંગ છે.
17. માછીમારો દ્વારા વર્ષોથી માછીમારી માટે જેટ્ટી કે બીજી સુવિધાઓ માટે માંગ કરવા
છતાં સરકાર દ્વારા કોઈજ વિકાસ ના કામો તેમજ માછીમારોના કલ્યાણની યોજનાઓ કરેલ નથી
જે ખુબજ દુખદ બાબત છે. તેથી હજારો લોકોને તેમની રીતે પોતાની રોજીરોટી કમાવી-જીવવા
દેવા નમ્ર અરજ છે. પોર્ટ લાવી હજારો લોકોને દુ:ખી કરી બેરોજગાર આ યોજના રદ કરવા
નમ્ર અરજ છે.
ઉપરોક્ત બાબતે યોગ્ય કાર્યવાહી કરી આ પ્રોજેકટ ને નામંજૂર કરવામાં આવે એવી મારી માંગ છે.
આભાર સહ
આપનો વિશ્વાસુ
.
સહી.......................................................... નામ ,....................................................ગામ....................
No comments:
Post a Comment